Our Story

મિત્રો,

મને લખવાનો શોખ તો ઘણો હતો અને તે પણ ઘણા વખતથી પરંતુ મને વ્યવસ્થિત માર્ગદર્શન નહોતું મળતું. હું પોતે જ નક્કી નહોતો કરી શક્યો કે મારે શું લખવું છે, શાયરી, કવિતા, લેખ કે પછી નવલકથા. અસમંજસ ના આ સમયમાં મે જે કઈ પણ લખ્યું તે બધુ જ વ્યર્થ રહ્યું. છેલ્લે “રોમિયો” અને “પીળી કોઠી” નું બીજ મારા મનમાં આવ્યું અને મને સમજાયું કે મારે નવલકથા જ લખવી છે, હું નવલકથા લખવા માટે જ સર્જાયો છું. બસ, ત્યાર પછી મારી લેખનદોડ શરૂ થઈ.

મારી પીળી કોઠી સંપૂર્ણ થતાં હું પ્રકાશક શોધવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે લખવું એ પ્રમાણમાં સહેલું છે પણ પ્રકાશક શોધવા વધારે મુશ્કેલ છે. મારી આ શોધમાં મારી મુલાકાત ઘણા બધા પ્રકાશક સાથે થઈ જેઓ પોતાને પ્રકાશક કહેતા હતા પરંતુ હકીકતમાં તેઓ પ્રકાશક ન હતા તે બધા જ હતા માત્ર પ્રિંટર્સ. કોઈ કહેતું તમે અમને બૂક દીઠ 20,000 રૂપિયા આપી દો અમે તમારી બૂક છાપીશું પણ વેચવાની જવાબદારી તમારી. કોઈ કહેતું તમે અમને બૂક દીઠ 30,000 રૂપિયા આપી દો તમારી બૂક છાપવાની અને વેચવાની જવાબદારી અમારી અને તમને અમે વેચાણ કિંમતના 15% રોયલ્ટી પણ આપીશું. મેં એ લોકોને પ્રશ્ન કર્યો કે મારા પૈસા ક્યારે વસૂલ થઈ રહે? મને જવાબ મળ્યો કે જો બૂકને સારો પ્રતીભાવ મળ્યો તો 01-02 વર્ષ માં તમારા પૈસા વસૂલ થઈ જસે અને તેના પછી પણ વેચાણ થાય તે તમારો નફો.

હું વિચારમાં પડી ગયો, સારો પ્રતીભાવ મળ્યો તો, ના મળે તો પૈસા ડૂબી ગયા? એક લેખક તરીકે મને તો નુકશાન થાય પણ પેલો પ્રકાશક મારી પાસેથી તેનો નફો જરૂરથી રળી લે. જેમ કોઈ ખેડૂતને તેના ખેત ઉત્પાદનમાથી વળતર મળે કે ના મળે પરંતુ વેપારી તેમનો નફો જરૂરથી મેળવે છે તેમ જ મારી નવલકથાને સારો પ્રતિભાવ મળે તો મને આંશિક વળતર મળે નહીં તો નુકશાન અને સારો પ્રતિભાવ મળે કે ન મળે વેપારી (પ્રકાશક) ને તેનો નફો જરૂરથી મળે.

હું તો વિચારતો જ રહ્યો, જો પૈસા આપીને મારે મારી નવલકથા છપાવવાની હોય અને મારે જ વેચવાની હોય તો આવા પ્રકાશક ની મારે શું જરૂર? હું કોઈપણ પ્રિન્ટર પાસે જઈને તે છપાવી શકું છું. મારા મનોમંથનમા બીજો પણ વિચાર આવ્યો કે હું મારી બે નવલકથા કોઈ વેપારી (પ્રકાશક)ને પૈસા આપીને વેચવા આપું અને કદાચ તે ન વેચાય તો મને તો નુકશાન જ થાય.

મિત્રો, મારી આ સમસ્યા મેં મારા પિતાજી શ્રી મોતીલાલ પરમાર  ને જણાવી અને તેમણે મને કહ્યું હું તારી સાથે છું, જેટલા પૈસા તું પેલા વેપારી (પ્રકાશક)ને આપે  તેટલામાં તો મારી એક વેબસાઈટ તૈયાર થઈ જાય અને તેમાં હું તારી આવનારી / લખાનારી દરેક નવલકથા મૂકી શકીશ. જો વેબસાઈટમાં નવલકથાને સારો પ્રતિભાવ મળે તો આજ વેપારી (પ્રકાશક) તારી પાસે તે ખરીદવા આવશે અને તારી પાસેથી પૈસા લીધા વગર તારી નવલકથાને છાપસે અને રોયલ્ટી પણ આપસે.

બસ, મારા પિતા એ નિર્ણય લઈ લીધો કે હવે તે તેમની વેબસાઈટ બનાવીને મારી બધી જ નવલકથાઓ તેમાં મૂકશે અને વાચકવર્ગ તે ફ્રીમાં વાંચી શકશે અને મને અને મારી નવલકથાને નામના મળશે. હા અત્યારના તબક્કે મારા પિતાને ખર્ચો જરૂર થાય છે અને તે પૈસા પરત મળે એવી કોઈ શક્યતા પણ દેખાતી નહોતી છતાં તેમના માટે તો મને અને મારી નવલકથાને નામના મળે તે વધારે મહત્વનુ હતું.

હવે મહત્વની વાત આવી તે નામ. વેબસાઇટનું નામ શું રાખવું? મૂળ તો અમે ભરુચ, જંબુસરના રહેવાસી અને મારે જંબુસરને પણ મારી સાથે નામના અપાવવી હતી તેથી મેં લેખક તરીકે નામ રાખ્યું જાંબુ. આની સાથે મારા પિતાને એ પણ વિચાર આવ્યો કે મારા જેવા બીજા કેટલાય લેખક/સાહિત્યકાર હશે કે જેમને મારી જેમ જ તકલીફ પડી હશે અને તે બધા લેખનકાર્ય થી કિનારો કરીને બેઠા હોય કે લેખન કર્યું હોય પણ તે પ્રકાશિત ન કરી શકતા હોય, આવા લોકોને એક પ્લૅટફૉર્મ પૂરું પાડવું જોઈએ. મારા પિતા ઇચ્છતા હતા કે જે મુશ્કેલીઓનો સામનો મારે કરવો પડ્યો છે તેવી મુશ્કેલીઓ બીજા લેખકો એ ન ઉઠાવવી પડે તેથી જ તેમણે કહ્યું કે આ  વેબસાઇટ આપણે દરેક લેખક/ સાહિત્યકાર માટે ખુલ્લી મૂકીશું અને સૌ કોઈને આનો લાભ મળવો જોઈએ.

જ્યાં વૈવિધ્યસભર વાર્તાઓ નો ખજાનો હોય અને અનેકવિધ લેખકોનું તેમાં યોગદાન હોય તે જગ્યાને શું કહીશું? જવાબ મળ્યો લાયબ્રેરી/પુસ્તકાલય. અને આમ સર્જાયું મારી વેબસાઇટનું નામ www.jaambulibrary.com.

હાં, મિત્રો, મારા પિતાની www.jaambulibrary.com. લેખનકળા સાથે સંકળાયેલા બધા માટે ખુલ્લી છે. સૌ કોઈ તેમાં પોતાની રચના મૂકી શકે છે અને એક વિશાળ વાચકવર્ગ મેળવીને સમાજમાં નામના મેળવી શકે છે. હું આશા રાખું છું કે લેખન અને વાંચન સાથે સંકળાયેલા સૌ મારા પિતાના આ પ્રયત્નનો ભરપૂર લાભ ઉઠાવે અને તેમના અથાક પ્રયત્નોને અદ્વિતીય સફળતા મળે અને સાથે સાથે મારૂ અને આપ સૌનું વિશ્વમાં નામ થાય.

મારા પિતાને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષા જ આવડે છે તેથી અત્યારના તબક્કામાં તેઓ  માત્ર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં રચાયેલ સાહિત્યને જ www.jaambulibrary.com. માં પ્રકાશિત કરવા જઇ રહ્યા છે. હાલના તબક્કે તો મારા પિતા એકલા જ આ સાહિત્યિક અને નાણાકીય જવાબદારી નિભાવી રહ્યા છે પણ મને આશા છે કે નજીકના ભવિષ્યમાં આપ સૌના સહકાર અને યોગદાનથી તેમની એક ટીમ કાર્યરત રહેશે જે વિશ્વની લેખન અને વાંચનની ભૂખ મિટાવશે.

Meet the Team

શ્રી મોતીલાલ પરમારજી એ આ એક શરૂઆત કરી અને તેમના પુત્ર તરીકે શ્રી શૈલેષકુમાર મોતીલાલ પરમાર “જાંબુ” એ પૂર્ણ સહયોગ આપતા પોતાનું બધુ જ સાહિત્ય સર્જન પિતાને સોંપી દીધું.

Motilal Parmar

Founder & CEO

A father who initiated the idea and owner of this site

JAAMBU

AUTHOR

A graduate from Maharaja Sayajirao University, Vadodara, and author of various novels published here.

.